નદીના કિનારે એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું. ગરમીના એ દિવસો હતા. સૂરજના આકરા તાપમાં અનેક કારીગરો મંદિરના નિર્માણનું કાર્ય કરી રહ્યા હતા. ત્યાં આવેલા એક અતિથિએ મંદિર માટે કામ કરતા એક કારીગરને પૂછ્યું કે, ભાઈ તું શું કામ કરી રહ્યો છે ? ધીરેથી માથું ઊંચું કરી તેણે જવાબ આપ્યો, સાહેબ આ તો મારી રોજીરોટી રળવાનું કામ છે અને એના થકી મારા કુટુંબનું હું ભરણ-પોષણ કરું છું. ત્યાંથી આગળ વધીને તેમણે બીજા કારીગરને એ જ સવાલ પૂછ્યો. જવાબમાં તેણે કહ્યું કે, સાહેબ આ તો અમારા બાપદાદાનો ધંધો છે, જે અમને વારસામાં મળ્યો છે. તેમના કામને હું આગળ વધારી રહ્યો છું. તેનો જવાબ સાંભળ્યા પછી આગળ કામ કરી રહેલ બીજા કારીગરને તેમણે પૂછ્યું કે, ભાઈ તું શું કરી રહ્યો છે ? તેનો ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપતા તે કારીગરે કહ્યું, મહાશય આ આરસના પથ્થરમાંથી મારા ભગવાનની મૂર્તિ હું ઘડી રહ્યો છું.
સ્થાપત્ય અને શિલ્પકલામાં નિપુણ એવા આ ત્રણેય કારીગરો તો મોટા શિલ્પકારો હતા, પરંતુ તેમનો જીવન પ્રત્યેનો અભિગમ જુદો જુદો હતો. જીવન પ્રત્યે જાવાનો આપણો આ અભિગમ કે દૃષ્ટિકોણ જ આપણા જીવનનું ઘડતર કરતો હોય છે. ભાઈશ્રી હિતેશભાઈ જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ ધરાવતા બીજા પ્રકારના શિલ્પી કલાકારના જેવા છે. તેમણે પરંપરાથી પ્રાપ્ત થયેલ સ્થાપત્યકલાને પોતાની સર્જનાત્મક અને દુરંદેશીય દૃષ્ટિ દ્વારા આધુનિક સંદર્ભમાં મૂકી આપી છે. તેમણે “Poetics of Architecture” દ્વારા સ્થાપત્યકલાને એકવીસમી સદીને અનુરૂપ એક નવી વિભાવના આપી છે. જેનો અર્થ થાય છે ‘સ્થાપત્યનું કાર્યશાસ્ત્ર’. મંદિરોના સ્થાપત્ય અને શિલ્પકલામાં આપણે કવિતાના દર્શન તો જરૂર કરી શકીએ પરંતુ એમાં આખું કાર્યશાસ્ત્ર સમાયેલું છે એવી કલ્પના તો માત્ર હિતેશભાઈ જ કરી શકે. વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલ તેમની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે આપણી તેમને સો સો સલામ. પરંતુ આપણે તેમને સલામ કરીએ તે પહેલાં ૨૦૦૫ની સાલમાં મુંબઈ નગરીએ તેમને સેલ્યુટ કરી ‘સેલ્યુટ મુંબઈ ૨૦૦૫’નો એવોર્ડ એનાયત કર્યાે હતો.
શ્રી હિતેશભાઈની આગવી વિશેષતા એ છે કે તેઓ અલગ અલગ યુગની સ્થાપત્ય શૈલીઓનું સુંદર રીતે સંયોજન કરી તેને ૨૧મી સદીના આધુનિક સંદર્ભમાં પ્રસ્તુત કરે છે. મંદિરના નિર્માણકાર્ય માટે જરૂરી એવા વાસ્તુશાસ્ત્ર, ડિઝાઈન અને ચિત્રકલામાં તેઓ નિપુણ છે. સ્થાપત્યકલાના સંવર્ધન માટે તેઓ કવિતા, લેખો, પુસ્તકો ઉપરાંત રેડિયો અને ટીવી જેવા માધ્યમો દ્વારા વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. રોટરી ક્લબ ઇન્ટરનેશનલ જેવી અનેક સંસ્થાઓમાં સ્થાપત્યકલા વિશેના તેમના અદ્ભુત પ્રેઝન્ટેશન દ્વારા તેમણે એક મોટો ચાહકવર્ગ ઊભો કર્યાે છે.
શ્રી હિતેશભાઈ પરંપરાની સાથે જાડાયેલા એક આધુનિક સ્થપતિ-આર્કિટેક્ટ છે. ભારતની પ્રતિષ્ઠિત ગણાતી મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે વિધિવત્ ‘બેચલર ઓફ આર્કિટેક્ચર’ની બી.આર્કની ડિગ્રી પ્રાપ્ત કરી છે. એની સાથે સાથે તેઓને પ્રાપ્ત થયેલ પરંપરાગત વારસા અને વૈભવની વાત પણ આપણે કરવી રહી. તેમના દાદા સ્વ. શ્રી હરગોવિંદદાસ અને પિતા શ્રી હરિપ્રસાદ મંદિર સ્થાપત્યકલામાં ધૂરંધર નિષ્ણાત ગણાતા હતા. તેમના થકી પ્રાપ્ત થયેલ તે કલાવારસાને હિતેશભાઈએ વધુ સમુજ્જવળ બનાવ્યો છે. મંદિરનું નિર્માણ કરવાની એ પરંપરાનું સંવર્ધન કરી તેને આગળ વધારી છે. મુંબઈ જેવી મહાનગરીમાં તેમણે મુક્તેશ્વર મંદિર, નિજ સેવાશ્રમ ટ્રસ્ટમંદિર ઉપરાંત અનેક નાના-મોટા ઘરમંદિરોનું નિર્માણ કરી સાચા અર્થમાં તેમણે પિતૃતર્પણ કર્યું છે.
મુંબઈ નગરીની બહાર બાલાસિનોરમાં તેમણે મદનમોહન હવેલીની અદ્ભુત રચના કરી છે. આ ઉપરાંત એમ.પી. બિરલા પ્લેનેટોરિયમ, ઇÂન્ડયા બુલ્સ અને રિલાયન્સ જેવી સંસ્થાઓ સાથે કામ કરી વિદેશોમાં પણ મંદિરોની ડિઝાઈન તથા વાસ્તુશાસ્ત્ર અંગે કન્સલ્ટેશન દ્વારા પોતાના બહુમૂલ્ય સલાહ-સૂચનો થકી તેના નિર્માણકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
શ્રી હિતેશભાઈ એક સ્વપ્નદૃષ્ટા શિલ્પી-આર્કિટેક્ટ છે. સોમપુરા જ્ઞાતિની આવનાર પેઢી માટે પરંપરાગત સ્થાપત્યકલાની સાથે મંદિરના નિર્માણકાર્યમાં ઉપયોગી થાય તેવી ડિઝાઈન, વાસ્તુશાસ્ત્ર તથા અન્ય માહિતીની એક ‘નોલેજ બેંક’ ઊભી કરવાની તેમની ખ્વાહિશ છે. તેમની આ મહેચ્છા પૂરી થાય અને આપણને સહુને સ્થાપત્યકલા વિશેની સંપૂર્ણ માહિતી આપતો એક વિશ્વકોશ પ્રાપ્ત થાય તે માટે જ્ઞાતિના વડીલોના આશીર્વાદ અને સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન તરફથી તથા આપણા સહુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.